કોરોના વાયરસ મહામારી : ગાંધીની દ્રષ્ટિએ

આશા બૂચ
01-09-2020

બેઠક — 1

ગાંધીજીનાં ચશ્માં એક જગવિખ્યાત પ્રતીક બની ગયાં છે. માત્ર બે દાંડલીઓ દોરે ત્યાં ગાંધીની પ્રતિમા ઊભી થાય. પરંતુ એ ચશ્માંમાંથી ગાંધી જે જોતા એ આપણે જોઈ શક્યાં છીએ ખરાં?

કોરોના મહામારી આવી એક દેશમાં સ્વાસ્થ્યની કટોકટી લઈને, પરંતુ જોતજોતામાં સારાયે વિશ્વમાં ફેલાઈ અને જે તે દેશોનાં આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રો પર ભરડો લીધો. વૈજ્ઞાનિકો અને મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતો તેને ઓળખવા, ખાળવા અને દૂર કરવા રાત ઉજાગરા કરે છે, અર્થશાસ્ત્રીઓ તેની આમ પ્રજા પરની અસરોનું નિરીક્ષણ કરે છે અને સરકારી હોદ્દેદારો પ્રજાને સહી સલામત રાખવા નિતનવા નિયમો અમલમાં મુકાવીને પોતાની ફરજ અદા કરે છે. દુનિયા આખીમાં આ રોગના નિવારણમાં બનતી આડખીલી રૂપ આર્થિક, સામાજિક અને રાજકીય અસમાનતા જે રીતે છતી થઇ રહી છે, તે આપણને ‘આપણે ક્યાં થાપ ખાધી, હવે શું કરવું?’ એવા આંતર ખોજ કરતા સવાલો પૂછવા ફરજ પાડી રહી છે. તેવામાં ઘણાં સંગઠનો ગાંધીના ગોળ ફ્રેઇમનાં ચશ્માંમાંથી જોઈએ અને કોઈ ઉકેલ જડી આવે એવી આશાએ તે વિષે ચર્ચા વિચારણા કરી રહ્યા છે.

26 જૂન ‘20ના રોજ કેરળ સ્થિત ‘સેન્ટર ફોર રૂરલ મેનેજમેન્ટ’ (CRM) દ્વારા આયોજિત એક વેબિનારમાં ભાગ  લેવાની તક મળી. લગભગ સોથી વધુ ભારતીયો અને દસેક જેટલા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ભાગ લીધેલો. CRM કોટ્ટાયમ જિલ્લાના પેરુમપાઇકડુ (કેરળ) ગામમાં 1990માં સ્થપાયેલ એક સ્વતંત્ર રીતે કામ કરતું સંશોધન કેન્દ્ર છે. તેનું ધ્યેય ગરમ વિકાસ ક્ષેત્રે સંશોધન કાર્ય હાથ ધરવાનું, પ્રકલ્પોનાં મૂલ્યાંકન કરવાનું, તાલીમ આપવાનું, પરામર્શ કરવાનું અને તેને આધારે સામાજિક કાર્યોને હાથ ધરવાનું રહ્યું છે. 

એ વેબિનારના કેટલાક વક્તાઓના સંવાદ અહીં સંક્ષેપમાં પ્રસ્તુત છે. 

ડૉ. કે ગિરિસન

વેબિનારના સંચાલક ડૉ. કે ગિરિસન, કે જેઓ એસોસિયેટ પ્રોફેસર અને સેન્ટર ફોર પોલિસી અને એક્શન રિસર્ચના વડા છે તેમનું વક્તવ્ય ટૂંકમાં રજૂ કરું. ગાંધીજીનાં ચશ્માંમાંથી જોઈશું તો સ્વચ્છતા, આરોગ્ય અને જીવન પ્રણાલી જેવા મુદ્દાઓ તેમનાં લખાણો અને જીવન સાથે કેટલા અતૂટ રીતે સંકળાયેલ હતા તે દેખાશે. આજે તેમના અંગત તેમ જ જાહેર સ્વચ્છતાના વિચારો વધુ પ્રસ્તુત લાગે છે, તો શા માટે? એવું જ ગાંધીજીના અન્ય વિચારો આજ વધુ પ્રસ્તુત થતા જણાય છે. પરંતુ તેમને કેવી રીતે અનુસરવા એ સવાલ છે. આપણે તે કાળે પણ કહેવાતા વિકાસની દોટ શરૂ કરેલી તે તેમને મંજૂર નહોતી. એમનાં જીવન-કાર્યનાં અગણિત પાસાં હતાં જેમાંનું રાજકીય પાસું મુખ્ય ગણાય, પણ બીજાં પાસાં એથી ય વધુ મહત્ત્વનાં અને અસરકારક હતાં. વ્યક્તિગત અને જાહેર સ્વાસ્થ્યનો મુદ્દો એમને મન લગભગ સ્વતંત્રતા મેળવવા જેટલો જ મહત્ત્વનો હતો. ગાંધીજીએ પોતે કોઈ નિદાન કે સારવાર પદ્ધતિ નહોતી વિકસાવી, પણ વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કરીને પોતાના અનુભવો પરથી સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાના નિયમો જરૂર આપ્યા. તેમના મતે રોગ થતો અટકાવવો એ દરદીને સાજો કરવા કરતાં હજારગણું અસરકારક છે. એટલે સાદી જીવન પદ્ધતિ, સમતોલ આહાર અને કસરત પર ભાર મુક્યો. દારૂ નિષેધ અને વ્યસન મુક્તિ માટે ઘણા પ્રયાસો કર્યા. આજે કોરોના વાયરસને ખાળવા આ જ બાબતોની સલાહ અપાય છે. વ્યક્તિગત જેટલું જ મહત્ત્વ તેમણે સામાજિક સ્તરના સ્વાસ્થ્યને મહત્ત્વ આપ્યું જે આજે દરેક દેશમાં પ્રચલિત થતું જોવા મળે છે. તેઓ માત્ર સિદ્ધાંતવાદી નહીં, એક ઉત્તમ અમલકર્તા પણ હતા. 

ગાંધીના જીવનકાળ દરમ્યાન અનેકવિધ ક્ષેત્રોમાંથી ખૂબ જ શિક્ષિત, શક્તિશાળી અને નિષ્ણાત હસ્તીઓથી માંડીને અત્યંત સાધારણ ગણાતા લોકો તેમના કાર્યમાં જોડાયા, બલિદાનો આપ્યાં; એટલું જ નહીં, તેમના ગયા પછી પણ કામ ચાલુ રાખ્યું. અને આજે 21મી સદીમાં પણ વિવિધ દેશોમાં અનેક વિષયો પર થતી ચર્ચામાં એટલા જ વૈવિધ્ય પૂર્ણ લોકો જોડાઈ રહ્યા છે એ ગાંધીનો જાદુ નહીં તો બીજું શું? એવા મહાનુભાવોમાંના એક તે જે.સી. કુમારપ્પા. તેઓ ગાંધીનું અર્થકારણ પૂરેપૂરું સમજેલા. તેમની વચ્ચે થોડા મતભેદો હતા ખરા, પણ ધ્યેય બંનેનું એક. કુમારપ્પાજીએ 1951માં કહેલું, ભારતે પશ્ચિમના કલ્યાણ રાજ્ય અને ગાંધીજીના સર્વોદય આધારિત અર્થવ્યવસ્થા વચ્ચે પસંદગી કરવાની છે. કમનસીબે ભારતની પંચવર્ષીય યોજનામાં એકેયનો સ્વીકાર ન થયો. લોકશાહી શાસન પદ્ધતિ અને મૂડીવાદી અર્થવ્યવસ્થાની જોડાજોડ દેશની કુલ ઉત્પાદન ક્ષમતા (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ) અને ટકાઉ વિકાસની ધારણાઓ અપનાવી. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સમાં ભારત આજે વિશ્વમાં સાતમા સ્થાને (ગૌરવ લેવા જેવી સિદ્ધિ) છે, તો ટકાઉ વિકાસની મુલવણીમાં 115મા સ્થાને, અને હેપીનેસ ઇન્ડેક્સમાં તો છેક 132માં સ્થાને છે. આમ શા કારણે બન્યું? નાણાં આધારિત વિકાસ નહીં પણ માનવ આધારિત વિકાસ, કે જેમાં દેશના નાગરિકોનું શારીરિક તેમ જ માનસિક સ્વાસ્થ્ય જ તેની સાચી મૂડી છે, પ્રજાનું દીર્ઘ આયુ, જ્ઞાનનો ફેલાવો અને જીવન ધોરણમાં આવેલ સુધારો એ જ વિકાસની સાચી પારાશીશી છે એ આપણે ભૂલી ગયાં. ભાવિ પેઢીના અસ્તિત્વના ભોગે ન થાય તેવા વિકાસને ટકાઉ વિકાસ કહેવાય. કુમારપ્પાજીએ ફરી ફરી વાપરી શકાય તેવી ઉર્જા પેદા કરવા પર ભાર મુકેલો. કુદરત આપણો મહાન શિક્ષક છે, તેને નજરઅંદાજ કરશે તે સમાજ વિઘટિત થઇ જશે. આપણી પૃથ્વી પાસે છે તેટલી સમૃદ્ધિના દાયરામાં રહીને પ્રગતિ કરવામાં ડહાપણ છે. લોકશાહી અને નાગરિક સ્વાતંત્ર્ય એ એકબીજાના પર્યાય નથી. લોકશાહીમાં નિષ્પક્ષ ચૂંટણી એ મુખ્ય શરત ખરી, પરંતુ લઘુમતી કોમ સહિતના તમામ નાગરિકોના માનવ અધિકાર જાળવવા એટલું જ અનિવાર્ય પાસું છે. ખરું જોતાં વિકાસના ક્રમમાં માનવની પ્રસન્નતા પ્રથમ સ્થાને, બીજે ક્રમે માનવ અધિકાર અને ત્રીજે સ્થાને કુલ મહેસૂલી આવક હોવી જોઈએ. શરીર અને હૃદયને જોડે તેવા વિકાસનો ખ્યાલ આપનારા ગાંધી પહેલા માનવ હતા. 

પ્રોફેસર માર્ક લિન્ડલી

ઔરંગાબાદ સ્થિત ‘મહાત્મા ગાંધી યુનિવર્સિટી’ના પ્રોફેસર માર્ક લિન્ડલીએ ઉદ્ઘાટન સમયના વક્તવ્યમાં ખૂબ મનનીય વાતો કહી. એમની વાતો એમના જ શબ્દોમાં, “દુનિયામાં અન્ય કોઈ દેશ એવો સદ્ભાગી નથી કે જેને ગાંધી જેવા પ્રગાઢ શાણપણ ધરાવનાર વ્યક્તિ એક રાષ્ટ્રપિતા તરીકે સાંપડે. અને એ ભારતની એક અનોખી સાંસ્કૃતિક ધરોહર છે. તમારા હૃદયમાં તેમનું સ્થાન એટલું દ્રઢપણે કોરાઈ ગયું છે કે કોઈ પણ આપત્તિના સમયે તમે સહજ રીતે ‘ગાંધીજી હોય તો શું કરે?’ એવો સવાલ પૂછી શકો એટલા તમે સદ્ભાગી છો. જો કે મને એમ લાગે છે કે આપણે ગાંધીનાં ચશ્માં દ્વારા જે કઇં જોવા કોશિશ કરીએ તેમાં આપણી પોતાની વિષ્લેષણાત્મક મૂલવણી પણ ઉમેરવી જોઈએ. તેનાં બે કારણો છે : એક તો એ કે ગાંધી પોતે એક માનવ હતા, એમણે કેટલીક ભૂલો કરેલી અને તેને આપણે દોહરાવએ તે મૂર્ખામી ગણાશે. ઉદાહરણ તરીકે તેમણે રસી મુકાવવાનો વિરોધ કરેલો, તો શું કોરોના વાયરસ માટે રસી મુકાવવાના પ્રસ્તાવને આપણે તદ્દન રદિયો આપવો જોઈએ? બીજું, તેઓ પોતે જ ઇચ્છતા હતા કે આપણે સહુ પોતપોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને સ્વતંત્રપણે નિર્ણય લઈએ. એમણે ખુદ 1940માં ગાંધી વિચારને અનુસરનારાઓને કહેલું, “એવા ગાંધીવાદને દફનાવી દેજો, જો એ ભૂલો કરવા પ્રેરે. તમારે મારા અનુયાયીઓ નથી થવાનું, પણ તમે મારા સહપાઠીઓ છો, સહયાત્રીઓ છો, સહકાર્યકરો છો.” ત્રીજી વાત એ છે કે આજના યુગમાં એવા કેટલાક સંયોગો વર્તમાન છે જે ગાંધીની જાણમાં નહોતા, જેમ કે કોરોના વાયરસને કારણે જાહેરમાં મુખવટો પહેરવો પડે એવી પરિસ્થિતિની તેમણે કલ્પના પણ નહીં કરી હોય. 

1890ના વેજિટેરિયન સોસાયટીના પદકમાં ગાંધીના દ્રષ્ટિકોણને યોગ્ય રીતે પ્રગટ કરતા ત્રણ સૂત્રો આજે કોરોના મહામારીના સમયમાં બંધબેસતા લાગે છે. તેના ત્રણ આદર્શો હતા. પહેલો humanitas. આનું ઉત્તમ ઉદાહરણ તેમણે સેવાગ્રામમાં રક્તપિત્તથી પીડાતા પરચુરે શાસ્ત્રીની સેવા દ્વારા પૂરું પાડ્યું. સારી સ્થિતિના આપણા જેવા કેટલાક લોકોને આજે થાકેલાં અને ભૂખ્યાં એવાં હજારો લોકોને મદદ કરીને ગાંધીનું અનુસરણ કરવાની તક છે. માનવતાનું બીજું ઉદાહરણ કસ્તૂરબા આગાખાન મહેલમાં ન્યુમોનિયા થવાથી અત્યંત નબળાં થઇ ગયાં ત્યારે તેમને પેનેસિલીનનું ઇન્જેક્શન ન આપવાના નિર્ણયનું છે. તેઓએ કસ્તૂરબાના દર્દને ઓછું કરે તેવી સારવાર આપીને પોતાના ખોળામાં પ્રાણ ત્યાગવાની તક આપી. ગાંધીજીએ 20 અને 30ના દાયકામાં સ્પષ્ટ રીતે ભારપૂર્વક કહેલું કે જ્યાં દરદીને સાજા થવાની કોઈ સંભાવના ન હોય અને બેભાન અવસ્થામાં પીડા ભોગવવાની શક્યતા હોય તેવા સંયોગોમાં સ્વેચ્છા મૃત્યુનું સમર્થન કરવું યોગ્ય છે. આપણા વિચારો એમના કરતાં અલગ હોય તો પણ તમે એટલું તો સ્વીકારશો જ કે તેમનું પ્રેરક બળ માનવતાનું હતું. આજની મહામારીમાં આર્થિક વિટંબણાને કારણે નિરાધાર હાલતમાં હોય તેમને પોતાનું ગૌરવ જાળવીને શાંતિથી મૃત્યુ પામવાનો અધિકાર હોવો જોઈએ.

જ્યારે ગાંધીજીએ શાકાહારી લોકો પાસે scienticaનો ખ્યાલ મુક્યો ત્યારે તેમનો હેતુ પોષક આહારના વૈજ્ઞાનિક જ્ઞાનની જાણકારી પ્રાપ્ત કરવાનો હતો. કાળક્રમે ગાંધીજીએ પણ પશ્ચિમી મેડિકલ વિજ્ઞાન અને દવાઓ બનાવવાની પદ્ધતિને સ્વીકારેલી; એટલું જ નહીં, ભારતમાં જીવ રાસાયણિક શાસ્ત્રના સિદ્ધાંતોને આધારે દવાઓ બને તેવું ઈચ્છેલું. આથી જ તો ખ્વાજા અબ્દુલ હામિદ કે જેઓ 1921માં સાબરમતી આશ્રમમાં સત્ય અને અહિંસાના પાઠ ભણવા રહેલા તેમણે શરૂ કરેલ CIPLAની મુલાકાત લીધી જેથી તેમને એ દિશામાં કામ કરવાનું પ્રોત્સાહન મળે. ગાંધીજીની એક જાણીતી તસ્વીર માઇક્રોસ્કોપનો ઉપયોગ કરતી જોવા મળે છે, જે એ સ્થળે લેવાયેલ છે. ગાંધીજી રક્તપિત્તના સૂક્ષ્મ ઘટકો જોતા હતા તેની એ તસ્વીર છે.

વેજિટેરિયન સોસાયટીના પદકમાં લખેલ ત્રીજો આદર્શ naturaનો હતો. સમય જતાં ગાંધીજી કુદરતી ઉપચારના સમર્થક બન્યા અને જળચિકિત્સા અને માટી ચિકિત્સાનો વ્યવસાયિક ઉપયોગ કરતા થયા. પશ્ચિમમાં ખાસ કરીને ઇંગ્લેન્ડ, ઇટલી અને અમેરિકામાં કુદરતી ઉપચારનો સંદર્ભ ઔષધિ પાણીવાળા ઝરાની સારવાર લેવા જનારા ધનિક લોકો વિલાસી ખાણું ખાય તેની સાથે જોડાયેલો છે. જર્મનીના માટીના ઉપચારો કરતું સેનેટોરિયમ ગાંધીને પસંદ પડેલું. ભારતના લાખો લોકોને આવી સારવાર પૂરી પાડવા માટે કોઈ સવલત પૂરી પાડે તો ઉત્તમ કામ થશે. મેં આનો ઉલ્લેખ ખાસ એટલા માટે કર્યો છે કે ગાંધી વિચારે રંગાયેલા ડૉ. અભય બંગે તાજેતરમાં મેડિકલ જર્નલ The Lancetને 1350 શબ્દોનો એક પત્ર લખ્યો, જેમાં જણાવ્યું છે કે “આધુનિક મેડિકલ વિજ્ઞાને હજુ સુધી કોવિદ-19ની કોઈ અસરકારક સારવાર નથી શોધી કાઢી, તો ગાંધીની કુદરતી ઉપચારની રીત - કે જે શરીર કુદરતી રીતે દર્દ મટાડવાની શક્તિ ધરાવે છે તો તેને તેનું કામ કરવા દેવું એ છે અને એ પદ્ધતિ મોટા ભાગના કિસ્સાઓમાં કામ આવશે.” તો એ વિચારને માન્યતા આપી તેનો કોરોનાના ઈલાજ માટે ઉપયોગ કરવા ભલામણ કરી. 

એ naturaનું સ્વાસ્થ્યને લગતું બીજું એક પાસું છે. કુદરતી વાતાવરણ કે જેમાં દરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં અતિ આવશ્યક સેવાઓ અને દૂષણ રહિત હવા અને પાણી પૂરું પાડવાની આધુનિક યુગની ક્ષમતાનો અભાવ છે. આ ખરેખર એક કરુણ પરિસ્થિતિ છે કેમ કે તે માનવ જાતે જ ઊભી કરેલી છે, અને આપણને હાલમાં જ એનો અહેસાસ થઇ રહ્યો છે કે તે કેટલી ઘાતક અને કરુણ થઇ શકે. હાલની મહામારી એ કોઈ તદ્દન અણધારી ઘટના નથી. “The Origin and Prevention of Pandemics” (2010) લેખમાં તે વિષે આગાહી કરવામાં આવી હતી. કોરોના ઉપરાંત મનુષ્યના વર્તનને પરિણામે સંભવે તેવી બીજી દુર્ઘટનાઓ વિષે પણ આગાહી કરવામાં આવી છે. 

1890ના વેજિટેરિયન સોસાયટીના એ પદકમાં ઉલ્લેખ કર્યો છે એ ત્રણ આદર્શોમાં આ મહામારીમાંથી બચેલા લોકોને તેના પરથી ગાંધીના કેટલાક મુદ્દાઓ શીખવા મળ્યા છે તેને સમાવી નહીં શકાય. તેમાંના એક છે ‘સ્વદેશી’ અને ‘સ્વરાજ’, કે જે પછીથી ખૂબ જ મહત્ત્વના પૂરવાર થયા. તેમણે એ વાતને વારંવાર દોહરાવી કે જે લોકો સ્વાસ્થ્યના નિયમોનું પાલન કરશે તેઓ વૈદકીય સારવારની જરૂર પડે તેટલા બીમાર કદી નહીં પડે. મને એક બાજુથી આ વિચાર વધુ પડતો આશાવાદી લાગે છે, અને બીજી બાજુથી મને લાગે છે કે કોઈ ડૉક્ટર ગાંધીના ‘માનવીનું શરીર ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર એ બંને છે. જ્યાં સુધી એ ધર્મક્ષેત્ર છે ત્યાં સુધી તેને સ્વસ્થ રાખવું તે દરેકની ફરજ છે’ એ સિદ્ધાંતની અવગણના કરી શકે તેમ નથી. આ મહામારીને વધુ જીવલેણ બનાવવામાં જે લોકોએ પોતાના શરીરને સારી હાલતમાં રાખવાની કાળજી ન લીધી હોય તેમનામાં અન્ય ચેપી અને ચેપી ન હોય તેવા રોગોની હાજરી કારણભૂત છે. આવી સૂક્ષ્મદ્રષ્ટિને પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ ‘માઈક્રો (micro)’ વિચારધારા કહે છે, એટલે કે વ્યક્તિગત વર્તન વિષે ધ્યાન આપવું. આ મહામારીની ઘટનામાંથી ગાંધીની ‘માક્રો (macro)’ દ્રષ્ટિ શીખવા જેવી છે; જેના પરિણામ રૂપે હવે આપણે પહેલાના જેવી જ  અર્થ કે રાજ્ય વ્યવસ્થા તરફ પાછા ન જવા જોઈએ. આપણી ભૌતિક જરૂરિયાતો વિષે જોઈએ તો, આપણે સમજવું જોઈએ કે આંતરરાષ્ટ્રીય શાંતિના સિદ્ધાંતો પ્રમાણે જ્યારે કોઈ દેશની અર્થવ્યવસ્થાનો એટલો વિકાસ થયો હોય કે જેમાં તેનું કુલ ઉત્પાદન પૂરતું હોય, તેની વહેંચણી તેના નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો સંતોષાય એવી રીતે થઇ હોય, તો તેના અર્થકારણના ઉદ્દેશો મોટા એકમોને કેન્દ્રમાં રાખનારા નહીં પણ લઘુ એકમોને કેન્દ્રમાં રાખવાના હોવા જોઈએ. ભારતના લોકોની મૂળભૂત જરૂરતોને પોષવા વ્યક્તિગત સ્વરાજના ખ્યાલનો અમલ કરવાની અને સરકારના શાણપણની જરૂર પડશે. છેવટ એ જરૂરતોને ઘટાડવી અને હાલના દરે થતા પર્યાવરણના વિનાશને પલટાવવા કટિબદ્ધ થશું એવી આશા રાખીએ. આ સમસ્યા માટે મારો આ દ્રષ્ટિકોણ છે. તમને ગાંધીજી તેનો હલ શોધવા સહાયરૂપ થાય તેવું ઈચ્છુ.” 

બેઠક — 2 

જ્હોન મૂલકટ્ટુ

પરિસંવાદના ત્રીજા વક્તા જ્હોન મૂલકટ્ટુ(John Moolakattu)એ (કેરાલા યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ રિલેશન એન્ડ પોલિટિક્સના પ્રોફેસર) કોવિડ 19 એન્ડ ગાંધીઅન સેલ્ફ રિલાયન્સ (કોવિદ 19 અને ગાંધીનો સ્વનિર્ભરતાનો સિદ્ધાંત) વિષે વિષદ ચર્ચા કરી.

કોવીડના ફેલાવાની સાથે માનવ વપરાશની વસ્તુઓના ઉત્પાદન અને વેંચાણની સાંકળ તૂટવા લાગી અને એથી એ સાંકળમાં કોણ કેટલું મહત્ત્વનું કામ કરે છે, તેઓ કેટલું કમાય છે, કોણ ભૂખે મરે છે, કોણ વધુ કષ્ટ સહન કરે છે એ સ્પષ્ટ થયું. આથી વૈશ્વિકરણના ખ્યાલની કસોટી થઇ. આ મહામારી આમ તો સ્વાસ્થ્યની આપત્તિ લઈને આવી, પણ તેની સાથે રાષ્ટ્રવાદ, સીમા સુરક્ષા અને બેકારી જેવા અનેક આર્થિક-રાજકીય મુદ્દાઓ સંકળાયા. આ પરિસ્થિતિ સારાયે વિશ્વને ભરડામાં લઇ બેઠેલ છે એ વાત ખરી, પણ તેના હલ માટે સ્થાનિક સ્તરે નિર્ણયો લેવા પડે તે હકીકત સમજાઈ. આંતરરાષ્ટ્રીય બજાર પર આધાર રાખવાનું કેટલું જોખમ ભર્યું છે અને દરેક રાષ્ટ્રે આત્મનિર્ભર બનવું કેટલું અનિવાર્ય છે એ સમજાયું. દરેક દેશે પોતાની સીમાઓ અને અર્થતંત્રની રક્ષા કરવી પડશે તેવી સ્થિતિની આગાહી કોઈએ નહોતી કરી. આત્મનિર્ભરતા એટલે બધો માલ સ્થાનિક સ્તરે પેદા થાય, જેમાં સ્થાનિક લોકો કામ કરે, સ્થાનિક સ્તરે નિર્ણયો લેવાય અને સમસ્યાઓ હલ થાય, જેથી બીજા પર આધાર રાખવો ન પડે તેવો અહેસાસ થયો. ગાંધીજી એમર્સનથી પ્રભાવિત થયેલ. એમર્સને લખેલું, જો અમેરિકન પ્રજા આત્મનિર્ભર હોત તો ગુલામો ન ખરીદ્યા હોત. કેવી સત્ય હકીકત? 

આમ તો સ્વનિર્ભતા એ માનવ જાત જેટલો જૂનો ખ્યાલ છે જે સમાજના નીચલા સ્તરના લોકોથી શરૂ થવો જોઈએ, અત્યારે એ ઉપરથી, એટલે કે સરકાર તરફથી આવે છે. દરેક ગામડું એક પૂર્ણ કેન્દ્ર બને અને પંચાયત પોતાને આખી દુનિયા સામે રક્ષણ આપી શકે તેવી શક્તિશાળી બને તો જ આત્મનિર્ભરતા સાર્થક થાય. ગ્રામ સ્વરાજ એટલે પાડોશીથી પણ સ્વતંત્ર અને છતાં આખા વિશ્વના એકમો પર પરસ્પરાધારિત વ્યવસ્થા એ સમજવું જોઈતું હતું. માત્ર કાયદાઓ, નિયમો અને સર્ક્યુલર્સથી નહીં, દરેક વ્યક્તિના સ્વનિયમનથી સાચી લોકશાહી - સ્વરાજ આવે એમ ગાંધીએ કહેલું. આવું સ્વરાજ લાવવા દરેક નાગરિકમાં નિર્ભયતા, આત્મવિશ્વાસ, આત્મસન્માન અને પોતાના મૂલ્યો તથા સંસ્કૃતિ માટે આદર હોવા જરૂરી છે. આવી સ્વાયત્તતા ખાધા ખોરાકીના ઉત્પાદનમાં હોવી સહુથી વધુ અગત્યની છે, જેથી ખોરાકને એક શસ્ત્ર તરીકે કે શોષણના સાધન તરીકે વપરાતું રોકી શકાય. આમ બને તો સ્થાનિક પ્રજાની સર્જનાત્મકતા સજાગ થાય, સામાજિક સુસંવાદિતા વધે, પરસ્પર માટે વિશ્વાસ વધે, ટેક્નોલોજીનો વિકાસ થાય, ઉત્પાદન કરનારા જુદા જુદા ઘટકો માટેનો અજાણ્યાપણાનો ભાવ ઘટે, બધા ઘટકો વચ્ચે પરસ્પરાવલંબન કેળવાય અને એટલે સ્પર્ધા અને આક્રમકતા ઘટે.

સ્વનિર્ભર અર્થ વ્યવસ્થા બીજા દ્વારા થતું શોષણ અટકાવે અને પોતાની સ્વાયત્તતા ખીલવે, જે વ્યક્તિ, સમૂહ, ગામ અને સારાયે દેશને સ્વતંત્રતા બક્ષે એ નફામાં. ગાંધીના મતે સ્વદેશીનો અર્થ જાત ઉત્પાદનથી મેળવેલ પૂરતો પુરવઠો અને સ્વરાજનો અર્થ સ્વનિર્ભરતા હતો. અને એ સ્વનિર્ભરતા માત્ર આર્થિક સંદર્ભમાં જ નહીં પરંતુ આધ્યાત્મિક બાબતમાં કે જે દૂરના લોકોને બાદ કર્યા વિના સહુથી નિકટના લોકોની સેવા કરવા પ્રેરે તેનો પણ સમાવેશ હતો. ભૌતિક વસ્તુઓના ઉત્પાદન અને વેપાર ઉપરાંત સ્વની અસ્મિતાની જાળવણી અને સ્વાધીનતાની બાબતમાં પણ આત્મનિર્ભર હોવું જરૂરી માનેલું એમણે. આ ખ્યાલને આજે આપણે રાષ્ટ્રવાદની સાંકડી સીમામાં બાંધી દીધો છે. ખરું જોતા જ્યારે આપણે બીજા એકમો સાથે સહકારથી કામ કરીએ ત્યારે ખરા  સમાન કક્ષાએ જોડાઈએ છીએ. સ્વદેશીની ભાવના ધર્મની બાબતમાં પણ લાગુ પડે. જીવનના દરેક આયામોમાં તમારા તરફથી ઉદારતા કરુણાના રૂપમાં બીજા તરફ વહે. અન્ય ધર્મને સમજવા કે સ્વીકારવા ધર્મ પરિવર્તનની જરૂર નહીં. ગાંધીએ સ્વાસ્થ્યની બાબતમાં પણ આત્મનિર્ભરતાની વાત કરેલી. પોતાના પરિવારને પ્રાણી કે માનવ શરીરનું વિચ્છેદન માન્ય ન હોવાથી ગાંધીજી ડોક્ટર ન બની શક્યા, પણ પોતાના પિતાની વફાદારીપૂર્વક સેવા કરવાથી માંડીને બોઅર અને ઝુલુ સામેની લડાઈ વખતે એમ્બ્યુલન્સ કોરમાં કામ કરીને તથા ભારતમાં રક્તપિત્ત અને પ્લેગના દરદીઓની સારવાર કરીને આરોગ્યની આપત્તિ વેળાએ પણ જાતને ખપાવી દઈને પણ સ્વાયત્ત કેમ રહેવું તેનાં અનેક ઉદાહરણો પૂરાં પાડ્યાં. 

ડૉ. જે.સી. કુમારપ્પા

એમના મતે માણસ કુદરતી નિયમોથી વિરુદ્ધ જીવન જીવે એટલે રોગનો ભોગ બને. એમ છતાં જરૂર પડ્યે મેડિકલ સારવાર અને ઓપરેશનની જરૂરત પણ તેમણે સ્વીકારી. ગાંધીજીએ લખેલ નાકડી પુસ્તિકા ‘આરોગ્યની ચાવી’ ઘણા લોકોએ વાંચી. એ જ રીતે શિક્ષણમાં પણ સ્વનિર્ભરતા રાખવી હિતાવહ એવું તેમનું દ્રઢ મંતવ્ય હતું. સ્વભાષાના માધ્યમથી અપાતું અને સ્થાનિક પ્રજાના જીવનને પોષે તેવું; નહીં કે વિદેશથી આયાત કરેલું શિક્ષણ જરૂરી છે એવી તેમની માન્યતા હતી.

આ બધાનો સારાંશ એ કે બીજા ગામ કે પ્રાંતો કે દેશો સાથે જે કઇં વસ્તુઓ પોતાના પ્રદેશમાં ન ઉગાડી કે બનાવી શકાય તેવા માલની લે-વેચ જરૂર થાય, પણ પરસ્પર અને સહકારી વ્યાપારના ધોરણે હોવાથી બધાની સ્વાયત્તતા જળવાઈ રહે. પોતાના કુટુંબની સેવા ન કરીએ તો આખા ભારતની કે દુનિયાની સેવા કરવાની વાત કરીએ એ અહંકાર છે. એટલે ગાંધીજીએ પોતાના પરિવારની સેવા - આખા દેશની સેવા - આખી માનવજાતની સેવા એવું સમીકરણ આપ્યું. તમે પડોશીને મદદ કરો, એ બીજા પાડોશીને સહાય કરે અને એવી રીતે સ્નોબોલની માફક દુનિયા આખીને મદદ થાય. એટલું સમજવું રહ્યું કે સ્વદેશી માલના આગ્રહીને વિદેશી માલ કે લોકો માટે દુષ્ટ ભાવ ન હોય.

હાલમાં ભારતના વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભરતાના પાંચ સ્તંભ ગણાવ્યા છે. પહેલો સ્તંભ અર્થકારણ. ગાંધી ક્રમશઃ વૃદ્ધિમાં અને એ સિદ્ધ થયે મોટા કૂદકા મારવામાં માનનારા હતા. બીજો સ્તંભ તે વ્યવસ્થાકીય માળખું. એ એવું હોવું જોઈએ કે તે ભારતની ઓળખ સમું હોય જેમ કે રસ્તાઓ, વીજળી અને વાહનવ્યવહારની સુવિધાઓ. ત્રીજો સ્તંભ, તે પારંપરિક નિયમોમાં બંધાયેલ નહીં પરંતુ 21મી સદીને અનુરૂપ ટેક્નોલોજી પર આધારિત વ્યવસ્થા. ચોથો સ્તંભ તે લોકશાહી, જેનું કેન્દ્રબિંદુ માનવસંપત્તિ છે. અને પાંચમો સ્તંભ તે બજારની માગ. બજારની માગ અને પુરવઠો એ કોઈ પણ દેશના વિકાસ માટેની મૂળ મૂડી છે, એટલે તો એ વિચારને અનુસરતા લોકો માગ વધારવા માંગે છે. તેમને મૂડીવાદ નથી છોડવો. આ  ઉદારમતનો નમૂનો છે જેમાં વસ્તુઓનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કરવું અને ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આવી આત્મનિર્ભરતા પાયાના સ્તરની નથી. માગ અને પુરવઠા આધારિત અર્થવ્યવસ્થાના પરિણામો હમણાં જોઈએ છીએ. શહેરો ગામડાંને અને એક પ્રાંત બીજા પ્રાન્તનું અનેક રીતે શોષણ કરે અને પ્રાંતીય અસમાનતા વધે.

આજે રાષ્ટ્રવાદ સાથે ઉદારીકરણ ભેળવાયું, જેથી કરીને દેશના રાજ્યો અને એક દેશ બીજા દેશો પર સતત આધાર રાખનારા બની ગયા. આ સરકારી આદેશને અનુસરવાથી આપણે કેટલીક બાબતોમાં જ આત્મનિર્ભર થઈશું; જો કે તેમાં પંચાયત સ્તરે કામ કરવાનો ઉલ્લેખ થયો છે ખરો. તેમાં આર્થિક વૃદ્ધિ પર ભાર મુક્યો, પરંતુ પર્યાવરણના પ્રશ્નો વિષે મૌન સેવાયું, સમાન અને ન્યાયી વિતરણ વ્યવસ્થા વિષે કોઈ વાત નથી કરી. લોકોની વસ્તુઓ માટેની લાલસાને બઢાવો આપીને માગ વધારો એ આ સૂત્રનો મુદ્રાલેખ છે. આપણા દેશની પ્રજા સાથે એ કોઈ વસ્તુ હોય તેમ વર્તવામાં આવે છે, ખાસ કરીને ગરીબ અને સ્થળાંતર કરતા મજદૂરો. એટલે જ તો કોરોના કાળ દરમ્યાન તેમને ઢોરની માફક એક સ્થળેથી બીજે સ્થળે હાંકે છે અને ઘરની બહાર નીકળે તો પોલીસના ડંડાના માર ખાય છે.

ખરેખર તો ગાંધીએ એક જાદુઈ મંત્ર આપેલો; “કોઈ પણ પ્રકારનું આયોજન કરતાં કે નિર્ણય લેતાં પહેલાં ગરીબમાં ગરીબને તમારી નજર સામે મૂકો અને જાતને પૂછો, તમારું આ પગલું તેને લાભકર્તા છે? જવાબ ‘હા’માં હોય તો જ આગળ વધો.” આપણે તેમના આ માદળિયાને પહેલેથી જ એક બાજુ હડસેલી દીધું. આધુનિક યુગની વ્યાખ્યા પ્રમાણેની વિકાસની ધખનામાં ગાંધીના આદર્શોથી તદ્દન વિપરીત દિશામાં ગયા, બહુ દૂર નીકળી ગયા. હવે પાછા જવું સહેલું નથી લાગતું. ગાંધી કહેતા તેમ ‘એક ડગલું બસ થાય’ એ સમજીએ. એ એક ડગલું દરેકે પોતે ભરવું પડશે. તો જ નિરંકુશ ઔદ્યોગિકરણ અને અંધાધૂંધ આધુનિકતાની બૂરી અસરને રોકી શકાશે. જો આપણે પહેલેથી ગાંધી ચિંધ્યા માર્ગે ચાલ્યા હોત, તો જે પ્રકારની અર્થવ્યવસ્થા, રાજકારણ અને સમાજવ્યવસ્થા રચાઈ હોત તે સ્વર્ગીય હોત. પણ હવે ઊભા રહીને સાચી દિશામાં ચાલવાનું શરૂ કરીએ તો પણ સદીઓની સિદ્ધિને 50 વર્ષમાં ધૂળધાણી કરી તેવા વિફરેલા વિકાસની અસર કઇંક હળવી થાય.

એવો સવાલ જરૂર થાય કે વૈશ્વિકરણના જમાનામાં આત્મનિર્ભરતાનું સ્થાન શું? ઉત્તર એ છે કે મોટા ઉદ્યોગો કે મૂડીવાદને સાવ ખતમ ન કરી શકાય, પણ સહકારી ઉત્પાદન અને વેચાણની ચળવળને વેગ આપીને તેની ખરાબ અસરોને ખાળી શકાય. વિકેન્દ્રિત નાણાકીય વ્યવસ્થા કામ આવે. સ્થાનીય સ્તરે મોટા ભાગનો માલ પેદા થાય તો બહુરાષ્ટ્રીય કંપનીઓની નાગચૂડમાંથી છૂટી શકાય, જો કે એ માટે હિંમત કરનારા ઓછા છે. પેલી વ્યવસ્થા બહુ ફાવી ગઈ છે. સ્થાનિક ઉદ્યોગો અને બજારોમાં મોટી વેપારી કંપનીઓ માટે ઉત્પાદન અને વેપાર થાય તેનું મહત્ત્વ સમજવું જોઈશે. ઘણા લોકો દ્વારા જરૂર પૂરતા માલના ઉત્પાદનને બદલે થોડા કામદારો દ્વારા જથ્થાબંધ વસ્તુઓનું ઉત્પાદન કરવાની ઘેલછાથી ભારે મોટું નુકસાન થયું. હવે તેનો ઉપાય શોધવો રહ્યો.

જ્હોન ચુલ્લાથરાઈ

અહિંસક માર્ગે સંઘર્ષ નિવારણના ક્ષેત્રમાં નિષ્ણાત જ્હોન ચુલ્લાથરાઈ(John Chullatharai)એ Social dinstancing and course correction વિષય પર મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમનું કહેવું એ છે કે કોરોના મહામારીનો ઝડપી અને વિશ્વવ્યાપી પ્રસાર થવાથી સરકારોના આદેશથી લોકોએ ડરના માર્યા લોકડાઉન અને સોશ્યલ સિસ્ટન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું, જેથી દુનિયા આખી થંભી ગઈ. સોશ્યલ સિસ્ટન્સ રાખવાનો હેતુ સારો છે, પરંતુ ભારતીય સમાજના સંદર્ભમાં એટલો ઉપયુક્ત નથી. ભારતીય સમાજરચના એવી છે કે એ નિયમોને બહાને આપણા મજૂર બંધુઓને દૂર રાખવામાં આવ્યા. પિતા બીમાર થાય, ઘરનું ભાડું ન ભરી શકે તો દીકરી ગામ છોડીને 1,200 કિલોમીટર સાઇકલ પર તેને વતન લઇ જાય એવા અનેક કિસ્સા બન્યા. ભૂખ્યાં, બેકાર અને બેઘર લોકોનાં ટોળે ટોળાં પગપાળા જીવ બચાવવા નાઠાં. 

આપણે સોશ્યલ સિસ્ટન્સને અક્ષરશઃ લીધું. તેમાં સ્થળાંતરિત, નાના ઉદ્યોગ ધરાવતા અને સ્વરોજગારી પર નભતા લોકો ખરા અર્થમાં માર્યા ગયા. નાના દુકાનદારો, ચાની કીટલી ફેરવનારાઓ અને પ્રવાસનના વ્યવસાય પર નભતા માર્યા ગયા. આમ જુઓ તો દરેક પ્રકારના સંકટમાં અર્થકારણને અંતે તો ફાયદો જ થતો હોય છે, પણ તેમાં કોને ફાયદો થાય છે? છૂટક વેપાર કરનારા નાના વેપારીઓને નહીં, મોટા ઉદ્યોગપતિઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને ધનાઢ્ય લોકો જ ફરી તેમાંથી કમાણી કરે અને તે પણ છેવાડેના લોકોના જીવના ભોગે એ આપણે જોયું. આપણને સોશ્યલ સિસ્ટન્સ (સમાજથી અંતર રાખવું) નહીં પણ crowd dinstancing - મોટા સમૂહ-ટોળાંથી અંતર રાખવાની જરૂર હતી. આપણે ત્યાં ગરીબ-તવંગર, નીચલા-ઉપલા વર્ગ, ઊંચા સ્તરની ટેક્નોલોજી જાણનારા- પ્રાથમિક ટેક્નોલોજી જાણનારા વગેરે ભેદભાવો તો છે જ. ધર્મ અને જ્ઞાતિની ખાઈ પૂરવાની હતી, તે હવે વધુ પહોળી થઇ.

ગાંધીએ પણ અંતર વધારવાની વાત કરેલી, પણ કોના વચ્ચે અને કેટલું? તેમણે no more - no less એટલે કે અમુક મર્યાદાથી વધુ નહીં કે તેનાથી ઓછું નહીં એવી વાત કહેલી. તેમાં કાયમ માટેના અંતરની તો ગુંજાયેશ જ નહોતી. આ વાત જરા સમજીએ. તેમની સ્વદેશીની વાત સ્વીકારવાથી અંતર જળવાય. તેમના મતે ટેક્નોલોજી જરૂર સ્વીકારવી, પણ એવી કે જે વ્યક્તિ કેન્દ્રી હોય, નફાને લક્ષ્ય ન માને, તે કુદરતના નિયમોને અનુસરે તેવી હોય. મોટી કંપનીઓ નાના ગામ માટે માલ પેદા ન કરે. સ્વદેશીનું વલણ મજૂરો અને કામદારો કે જે સાચા ભાગીદારો છે તેને કેન્દ્રમાં રાખે. તેઓએ કબૂલ કરેલું કે માણસ જાતને જીવવા માટે વસ્તુઓનો ઉપભોગ તો કરવો પડે, તે માટે વસ્તુઓ બનાવવી પડે અને તેને માટે નાણાંની જરૂર પણ પડે. પરંતુ ગ્રાહક બનતા પહેલાં ઉત્પાદક બનવું જોઈએ. એ ખરું છે કે ગ્રાહક માગ ઊભી કરે છે, જેના થકી રોજગારીની તકો ઊભી થાય. પણ એ કામ મને - એટલે કે દરેક વ્યક્તિને આપો એટલે દ્વિપક્ષી ધંધો થાય, બંને પક્ષ જીવિત રહે. તેને વર્તુળાકાર માળખું કહે છે. અત્યારે એક વ્યક્તિ દસ કુટુંબને પૂરતું થઇ રહે તેટલું કમાય છે. હા, મુક્ત બજારમાં અમર્યાદ કમાવાનો અધિકાર ખરો, પણ લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે તો બીજાને રોજગારીની તકોનો સમાન અધિકાર અને લઘુતમ આવકનો ય અધિકાર ખરો કે નહીં? વિતરણ સમાન હોવું જોઈએ. તો જ વર્ગો વચ્ચેનું અંતર ઘટે.

એક ઘરમાં કોઈ સભ્ય શરીર કે મનથી નબળો હોય તો તે ભૂખ્યો ન રહે, તો દેશનો નબળો વર્ગ ભૂખ્યો શે રહે? માનો કે સ્થાનિક સ્તરે જરૂરિયાત પ્રમાણે બધું જ પેદા ન થાય તો જેટલું થાય તેટલું પેદા કરવું, તો જ સ્થાનિક લોકોની શક્તિઓ વાપરી શકાય. સ્થાનિક કારીગરો અને મજૂરોના પેટ ભરાય અને એ લોકોને સ્થળાંતર કરવા વારો ન આવે. કોરોનાએ આપણને એક બીજાથી શારીરિક અંતર રાખવા મજબૂર કર્યા, તેમ આર્થિક બાબતોમાં પણ સ્વનિર્ભર થવા વિચારતા કર્યા. એ તો તો જ સંભવ બને જો રાજકીય માળખું પણ તેને અનુરૂપ હોય. ગ્રામ સ્વરાજ એ સ્વેચ્છાએ સ્વીકારેલ અંતર રાખવાંનો નમૂનો છે; એવી જ રીતે શિક્ષણનું માધ્યમ માતૃભાષા રાખવી એ પણ સોશ્યલ ડિસ્ટન્સનું ઉદાહરણ છે. કદાચ આપણે સોશ્યલ સિસ્ટન્સને બદલે મહત્તમ નિકટતા (optimum nearness) લાવવાની જરૂર હતી. આપણી પાસે બ્રેડ માર્યાદિત છે, બે ભાઈઓમાંથી એક ભાઈ નવ ભાગ લઇ લે તે બીજો એક ભાગ બ્રેડ પર કેવી રીતે નભે? ભાઈચારો કેળવીએ અને વિશ્વનું સમાનકેન્દ્રી વર્તુળ રચીએ.

ગાંધીજીએ કહ્યું, મૂડી પેદા કરવી એ તદ્દન અનૈતિક નથી, પણ એ માટે પાયાના નિયમો આપ્યા. ધન જરૂર કમાવું, પણ તેમાં ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અપનાવવો અને મૂડીની કામની તેમ જ વહેંચણી નીચેથી ઉપરના સ્તરે કરવી જોઈએ. માત્ર પોતાની જરૂરતો નહીં, એકબીજાની જરૂરિયાતો પોષવા પહેલાં ખપ પૂરતો માલ પેદા કરો, પછી ગ્રાહક બનો. કુદરતને લૂંટો નહીં, લોભ છોડો. તો જ સમાજના તમામ વર્ગોને ન્યાય મળે, સમાનતા આવે અને શાંતિ જળવાય.

નિશા વી. નાયર

ગાંધીના પરસ્પરાવલંબિત અર્થકારણની પ્રસ્તુતતા (Relevance of Gandhian Solidarity Economics) જેવા ક્લિષ્ટ વિષય પર નિશા નાયરે સરળ ભાષામાં વક્તવ્ય આપ્યું. વૈશ્વિકરણની આડ અસર રૂપે કોવિડ-19નો ફેલાવો પણ આખા વિશ્વમાં થયો અને તેની લોકોનાં સ્વાસ્થ્ય તેમ જ આર્થિક પરિસ્થિતિ પર બૂરી અસરો પણ સારાયે વિશ્વમાં ફેલાઈ. આપણને કેવો વિકાસ જોઈએ છે તે વિષે વિચારવાની ફરજ પડી. 

અત્યાર સુધી આપણે શું કર્યું? ઉત્તર ગોળાર્ધના દેશોએ આધુનિક વિકાસનો ખ્યાલ આપ્યો અને દક્ષિણ ગોળાર્ધના દેશો તેને સમજ્યા વિના અનુસર્યા. સંસ્થાનવાદને કારણે શાસિત દેશોને શાસક દેશોની સરખામણીમાં કહેવાતા વિકાસના પરિણામો જલદી ન મળ્યા. ઊલટાનું વૈશ્વિકરણ અને નવ્ય વિકાસની અવળી અસર થઇ, ગરીબ-તવંગરની ખાઈ મોટી થઇ, ગરીબાઈ વધુ ઘેરી અને હઠીલી બની, અને પર્યાવરણ તેમ જ જૈવિક સમતુલા જોખમાઈ. તો એવા વિષમ વિકાસના વિકલ્પ તરીકે મિલેનિયમ ડેવલપમેન્ટ ગૉલ નક્કી કરવામાં આવ્યા. પણ ભારત અને અન્ય દેશો સગર્ભા સ્ત્રીઓનાં સ્વાસ્થ્યની જાળવણી, બાળમૃત્યુનાં પ્રમાણમાં ઘટાડો અને ગરીબી નાબૂદી માટેના ધ્યેયો સિદ્ધ કરવામાં નિષ્ફ્ળ ગયા. એટલે 2017માં 17 સસ્ટેનેબલ ગૉલ લાવ્યા જે 2030 સુધીમાં સિદ્ધ કરવાની ધારણા સેવાય છે. જોવાનું એ છે કે કોરોનાની પકડમાં આવ્યા બાદ વૈશ્વિક સ્વાસ્થ્ય યોજનાની જરૂર જણાઈ કેમ કે સ્ત્રીઓ, સ્થળાંતરિત કામદારો, મજૂરો, છૂટક ધંધાદારીઓ, આદિવાસીઓ અને વિકલાંગો વગેરેને સહુથી વધુ માઠી અસર થઇ, જેને કારણે સરવાળે આખા દેશને ભારે નુકસાન થયું તેનો ખ્યાલ આવ્યો. માનવીનો મૂળભૂત અધિકાર તે પોષક આહાર મેળવવાનો છે તેના પર ભારે અસર થઇ. રોજમદારી પર નભતા લોકો પોતાના ઘરમાં પુરાઈ ગયા અને બીજાએ દયાથી પ્રેરાઈને આપેલ ખોરાકની સામગ્રી પર નભવું પડ્યું. આથી તેમનું સ્વાભિમાન ઘવાયું, હતાશા ઘેરી વળી. કોરોના મહામારીની કરુણ છતાં એક સારી આડ અસર એ થઇ કે ઘટેલા વાહનવ્યવહારને પરિણામે હવા ચોખ્ખી થઇ, પર્યાવરણને ફાયદો થયો. તો બીજી બાજુ દવાઓ, સુરક્ષા પુરી પાડતાં સાધનો અને, સેનિટાઇઝર્સના અમર્યાદ ઉપયોગને કારણે ભવિષ્યમાં થનાર હાનિના બીજ વવાઈ ચૂક્યાં.

ગાંધીની પરસ્પરાવલંબિત અર્થકારણની નીતિ લોકકેન્દ્રી હતી, કોઈ ખાસ જાતિ કે વિશેષ સમૂહને કેન્દ્રમાં રાખનારી નહોતી કેમ કે એ આર્થિકની જોડાજોડ સામાજિક નીતિ હતી જેનો આધાર નૈતિક મૂલ્યો, સહકાર અને સામાજિક સબંધો પર હતો. જાતિ અને સ્ત્રી-પુરુષ સમાનતા હોય ત્યાં સમાજ એકસૂત્રે બંધાય. મનાવ અધિકાર અને પર્યાવરણની ન્યાયી જાળવણીથી કોમી એખલાસ સ્થપાય. ગાંધી કહેતા, “જે અર્થકારણ નૈતિકતાને ધ્યાનમાં ન લે તે જીવ વગરની વ્યવસ્થા ગણાય.” આજે આપણે જરૂરિયાત પર આધારિત નહીં કે આપણા લોભી, લાલચુ સ્વભાવ પર આધારિત અર્થકારણ ઘડવાનું છે. બે પ્રકારની સંપત્તિ હોય છે; એક, જેમાં ભૈતિક ધન જમા અને બીજી, પોતે જેને માટે કાળજી કરે, કે જેઓ તેમની સંભાળ રાખે તેવા કુટુંબીઓની સંપત્તિ. કોરોનાને ખાળવા લદાયેલ લોકડાઉનને પરિણામે સમજાયું કે કુટુંબ, પાડોશ અને સમાજના મીઠા સંબંધો એ જ સાચી મૂડી છે અને જે તે એકમના ભાગ હોવાની લાગણી ન હોય તો બીજા માટે કાળજી રાખી પણ ન શકાય. ગાંધીજીના સ્વદેશી, ટ્રસ્ટીશીપ અને અપરિગ્રહ એ બધા સિદ્ધાંતોના મૂળમાં આવી પરસ્પર આધારિત વ્યવસ્થા અને એક બીજા માટે જીવવાની જ વાત છે. દરેકે એક કોળિયા અનાજ માટે મહેનત મજૂરી કરવી જોઈએ અને શોષણવિહીન સમાજ રચવા એકજૂથ બનવું જોઈએ, એવું ભારપૂર્વક એમણે કહ્યું અને કર્યું, જે આપણે ન અનુસર્યા. સામાજિક સંબંધો એ જ ખરી મૂડી છે એ વિચારમાં ઊંડું અધ્યાત્મ છે. નૈતિકતાનો પાયો મજબૂત હોય તો જ એ શક્ય બને. એકબીજાની કાળજી કરવાથી માનવસમૂહ નિકટ આવે. તેનાથી જ વિકેન્દ્રીતતા, સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ, સહકારી સાહસો શક્ય બને અને પર્યાવરણની પણ જાળવણી થાય.

આવું પરસ્પરાવલંબિત અર્થકારણ ત્રણ પ્રકારનું છે : 1) ગ્રામોદ્યોગ, જે મૂળભૂત જરૂરિયાતો પૂરી કરતી અર્થવ્યવસ્થા છે. એ મૂડીવાદ અને ઔદ્યોગિકરણથી વિભિન્ન વ્યવસ્થા છે. 2) અર્થવ્યવસ્થાની સુધરેલી આવૃત્તિ (reformist economy). સહકારી અને લઘુ ઉદ્યોગો તથા માઈક્રો ફાઇનાન્સથી મૂડીવાદને પરસ્પરાવલંબિત અર્થકારણનું રૂપ આપી શકાય તેવો સિદ્ધાંત. 3) મૂડીવાદ; પણ તેમાં પરસ્પરાવલંબિત અર્થકારણ આપ મેળે ઉત્ક્રાંત થાય તેવી માન્યતા. હાલના ‘આત્મનિર્ભર ભારત’નો નારો આ ત્રીજા પ્રકારની અર્થવ્યવસ્થાને માને છે. અત્યારે કેટલીક મોટી પેઢીઓ નાના અને છૂટક ઉદ્યોગો અને વેપારીઓને મદદ કરે છે, પણ એ બધું ઝમણ પદ્ધતિથી થાય. મોટી ધિરાણ કરતી અને મહાકાય ઉદ્યોગ કંપનીઓની દયા પર આધારિત એ વ્યવસ્થા છે. આ બંને પ્રથા નૈતિક અને ન્યાયી અર્થવ્યવસ્થાની માંગણી કરે છે. સંકટ સમય છે માટે ચાલો ગાંધી માર્ગનું અનુસરણ કરીએ તેમ વિચારવાને બદલે લાંબા ગાળાનું આયોજન જરૂરી છે. જો ટકાઉ વિકાસ કરવો હોય તો મૂળભૂત જરૂરિયાતો સંતોષવાનું ધ્યેય રાખીએ અને નફા પાછળ ન દોડીએ. હવે જો ભારતના તમામ નાગરિકોને પૂરતા પ્રમાણમાં પોષક ખોરાક વિના અવરોધ મળી રહે, રોજગારીની તકો જોખમાય નહીં અને ન્યાયી સમાજની રચના કરવી હોય તો ‘હિન્દ સ્વરાજ’માંના  મુદ્દાઓ પર ફરી વિચાર કરવો જોઈશે.

 ••

બેઠક — 3

કુમાર કલાનંદ મણિ

ભૂદાનની ચળવળમાં 1973માં કુમાર કલાનંદ મણિ જોડાયેલા, તરુણ શાંતિસેનામાં ભાગ લીધેલો અને કટોકટીના વિરોધમાં પાંચ વખત જેલવાસ પણ ભોગવેલો. હાલમાં ગોવામાં ‘પીસફૂલ સોસાયટી’ની સ્થાપના કરીને સમાજહિતનું કાર્ય કરી રહ્યા છે. તેમણે મહામારીથી ગ્રસ્ત દુનિયામાં ગાંધી મૂલ્યોને મધ્ય નજર રાખીને ગ્રામ્ય વિસ્તારનું પુનર્નિર્માણ (Rebuilding villages on Gandhian perspective in pandemic ridden world) એ વિષય પર રસપ્રદ વક્તવ્ય આપ્યું.

આજે દુનિયાના લગભગ તમામ દેશો એક સરખી હાલતમાં મુકાઈ ગયા છે. આપણે સહુ એક અદ્રશ્ય જીવાણુંની પકડમાં આવી ગયા છીએ. તેથી જ તો એક વૈકલ્પિક અર્થ અને સમાજ વ્યવસ્થાની ચર્ચા કરીએ છીએ. ગાંધીએ એ વિચારો વર્ષો પહેલાં આપેલા, પણ આપણે તેમને વારંવાર નકાર્યા. માનવ જાતે ઉત્તમ શિક્ષકોને હંમેશ જાકારો આપ્યો છે, જુઓને, ઈશુ ખ્રિસ્ત, બુદ્ધ, મહાવીર, મોહમ્મદ, સોક્રેટિસ વગેરેને આપણી સગવડતા ખાતર આપણા હૃદય અને બુદ્ધિના એક ભાગમાં સ્થાપિત કરી દીધા. તેમને આપણે પૂજીએ, ભજીએ, પણ એમના ચીંધેલા માર્ગે ન ચાલીએ, તેમને અનુસરીએ નહીં.

1916માં અલ્હાબાદમાં યોજાયેલ સંમેલનમાં ગાંધીને આર્થિક વિકાસ નૈતિક વિકાસમાં અડચણ રૂપ છે એ વિષે વક્તવ્ય આપવા નિમંત્રેલા. બુદ્ધિજીવીઓએ ગાંધીના વિચારોનો વિરોધ કરેલો. તે સમયે ગાંધીજીએ ભારતીય પ્રજાને અમેરિકન વિકાસના માર્ગને અનુસરવા માટે ચેતવેલ. પણ આપણે તેમનું કહ્યું ન સાંભળ્યું. કોઈ પણ દેશની સમૃદ્ધિની પારાશીશી તેની પાસે કેટલા લાખોપતિ છે એ નહીં પણ ત્યાં કેટલો ભૂખમરો છે અને ગરીબીની રેખા નીચે કેટલા લોકો જીવે છે એ છે. સ્વતંત્રતા બાદ ભારતે ઘણા કરોડાધિપતિઓ ઊભા કર્યા. અંગ્રેજોથી છુટકારો તો મેળવ્યો, પણ હવે ભારતની મોટા ભાગની પ્રજાને વિભાજીત કરનારા રાજકારણીઓ અને લાલચુ ઉદ્યોગપતિઓથી છુટકારો મેળવવો બાકી છે. ગાંધીજીએ એ માટેનો માર્ગ બતાવેલો. પરંતુ અફસોસ એ વાતનો છે કે રાજ્યબંધારણના ઘડવૈયાઓએ નજર સામે ગાંધીજીના સિદ્ધાંતો ન રાખ્યા. ગ્રામપંચાયત દ્વારા ગ્રામસ્વરાજની વાત તેમાં હતી જ નહીં. એ જાણીને “આ સ્વરાજ મારા સ્વપ્નનું નથી, એ હજુ મેળવવું બાકી છે.” એમ ગાંધીજીએ કહેલું. આપણે તેમના એ ઉદ્‌ગારો એકદમ વિસરી ગયા. એ વિચારધારાથી વિરુદ્ધ દિશામાં એટલા ઝડપથી ભાગ્યા કે આજે સમગ્ર માનવ જાતિનો વિનાશ નજર સામે દેખાય છે, ઘોર રજનીમાં માર્ગ નથી સૂઝતો.

ગાંધીને અનુસરવા સહેલા હતા, આપણે તેને મુશ્કેલ બનાવી દીધા. આધુનિક યુગે આપણને પાંચ G આપ્યા। 1) Globalisation (વૈશ્વિકરણ) - વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનને હેતથી ગળે વળગાડ્યું અને પરિણામે લોકશાહી ઢબના વિકાસને લૂણો લાગ્યો. 2) Global economic crisis (વૈશ્વિક આર્થિક કટોકટી) ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, માથાદીઠ આવક, મૂડીવાદી અર્થવ્યવસ્થા અને માર્કસિઝમ એ બધું અપનાવી જોયું અને એ બધી અર્થવ્યવસ્થાઓ સરવાળે સમસ્યાઓ મૂકી ગઈ. 3) Global terrorism (આંતરરાષ્ટ્રીય આતંકવાદ) ઉપલા બે Gને કારણે આતંકવાદ વિફર્યો. ગળાકાપ હરીફાઈથી દોરવાયેલા અર્થ વ્યવસ્થાને કારણે સમાજ અસલામત થઇ ગયો. પડોશ, ગામ, શહેરમાં વસતા લોકો એકબીજાથી અપરિચિત થઇ ગયા એટલે ગુનાઓ કરવા સહેલા બન્યા. 4) Global warming (વિશ્વમાં વધતું તાપમાન.) દાયકાઓ સુધી ચાલુ રાખેલી ‘વિકાસ’ની આંધળી દોડમાં આ સમસ્યાનું મહત્ત્વ નહોતા સમજ્યા, પણ હવે તેની વિનાશકતા ભરખી જવા બેઠી છે તેનું ભાન થયું. 5) Global pandemic (વિશ્વ્યાપી મહામારી) કોરોના એક સામાન્ય જીવાણુઓ દ્વારા પ્રસરતી માંદગીને બદલે વિશ્વ આખાને ભરડો લઈને ભારે વિનાશ સર્જી રહેલ રોગ સાબિત થયો, જેનાથી વંચિતો, ગરીબીની રેખા નીચે જીવનારાઓ અને દલિતોના જીવન રોળાઈ રહ્યાનો અહેસાસ સહુને થાય છે.

સ્વતંત્રતા મળી તે દિવસે ગાંધીજી કલકત્તામાં ઉપવાસ કરીને શાંતિનો સંદેશ ફેલાવતા હતા. તેમણે શું કહેલું? ગરીબોના ઉદ્ધાર માટે કામ કરો. આજે સાત દાયકા બાદ હજારો - લાખો ગરીબો રોજીની શોધમાં સેંકડો માઈલ ચાલીને ભટકે છે, એવું સ્વરાજ જોઈતું હતું? 1948માં એક સૂત્ર ગુંજતું થયેલું, “ગાંવ છોડ, શહરમેં જાઓ.” એમ માનીને કે શહેરોમાં જવાથી ભારતની મોટા ભાગની જનતાનો આર્થિક અને શૈક્ષણિક વિકાસ થશે. 2014થી તો મેગા સિટી બનાવવાની રટ લાગી છે. આ ઘેલછામાં ગામડાં ભાંગ્યાં અને શહેરોમાં ગયેલ પ્રજાનું શું થયું? કોવિડની મહામારીથી સાબિત થયું કે શહેરોમાં વધુ ગંદકી હોય છે, ગીચ વસતીને કારણે રોગનો ફેલાવો વધુ થાય અને ત્યાં ભૂખમરો બેકાબૂ છે. કરકસરથી રહેવું, સહઅસ્તિત્વને સ્વીકારવું, ઓછો વપરાશ અને વધુ સાચવણી (less consumption and more conservation) એ જ ભાવિ જીવન પદ્ધતિ માનવ જાત માટે લાભદાયી છે, એવું આ મહામારીની વિપદા પાસેથી શીખવા મળ્યું. રોજગારીની તકો શોધવા શહેરોમાં ગયેલા કામદારો, મજૂરો એની જ શોધમાં ગામડે પાછા જાય છે, તો શું એમને આજીવિકાના સાધનો ત્યાં પાછા મળશે? આજના ગામડાંમાં કઈ રોજગારીની તકો બચી છે?

આપણે જન સાધારણના જીવન ઉદ્ધાર માટે જે કરવાનું હતું તે ન કર્યું અને ન કરવાનું હતું તે કર્યું. હવે માથે હાથ મૂકીને રડીએ તો પણ કઇં નહીં વળે. જે નાના વેપારીઓ, કામદારો અને મજૂરો રસ્તા પર ચાલીને પોતાને વતન પરત થતા જોવા મળે છે, તેમને એમેઝોન, સુપર માર્કેટ્સ, વેપારી નિગમો જેવા રાક્ષસી ધંધાઓ સામે ઝઝૂમવાનું છે. હજુ ચેતી જઈએ, તો સ્વનિર્ભર, સ્વાધીન એવો સહકારી સમાજ ફરી ઊભો કરી શકીએ. આજે લાચારીથી ગાંધી માર્ગે જવા વળ્યા છીએ, તો હવે તેને સમજણપૂર્વક સ્વીકારી, પ્રતિબદ્ધ થઈને અમલમાં મૂકીએ. આપણે સ્વાસ્થ્યને સાચી મૂડી તરીકે ગણતા થઈએ એ આપણા લાભમાં છે. માત્ર સોશ્યલ ડિસ્ટનસીંગ જ નહીં પણ સાદું જીવન જીવીએ, સંસાધનોનો વિવેક પૂર્વકનો ઉપયોગ અને સાધનોના વ્યયમાં ઘટાડો કરવાથી મદદ થશે. આજનું શિક્ષણ ગ્રાહકો અને વધુ પગાર મેળવનાર નોકરો જ પેદા કરે છે. ગાંધીજીએ ચીંધેલી નઈતાલીમમાં શિક્ષણ સાથે કમાવાની તાલીમ(learning with earning)ની ગુરુકિલ્લી આપેલી એ અપનાવીએ તો સ્વનિર્ભર થવાય. યુવાનો ધન કમાવાનું મશીન બન્યા છે. આજ અને આવતીકાલના પડકારો સમજવા અને હલ કરવાની શક્તિ કે દ્રષ્ટિ તેમનામાં નથી. ખેતી, કુદરત, પર્યાવરણ એટલે શું એ તેમને ખબર નથી, તો અધ્યાત્મની તો શું વાત કરવી? જરા વિચારશું તો સમજાશે કે ગાંધીજીએ આપેલા રચનાત્મક કાર્યક્રમો એ જ આજે જેને ‘સસ્ટેનેબલ ગોલ્સ’ (દીર્ઘ કાળ સુધી ટકી શકે તેવા ધ્યેયો) કહે છે એ હતા. કોરોનાની મહામારીએ ઊભા કરેલા સ્થળાંતર કરનારા કામદારોના પ્રશ્ને આપણું ધ્યાન અંત્યોદય તરફ દોર્યું છે. વસતી વધારો કાબૂમાં લાવવાની અનિવાર્યતા સમજાઈ. કુદરતી સ્રોતો સરકાર કે કોઈ રાજદ્વારી પક્ષની નહીં પણ ભાવિ પેઢીની માલિકી છે એનું ભાન થયું.

નારાયણ સ્વામી

એક્સ્ટેંશન એડ્યુકેશનના ભૂતપૂર્વ પ્રાધ્યાપક નારાયણ સ્વામીના વક્તવ્યનો વિષય હતો Decongestants for mitigation of pandemics (મહામારીના શમન માટે ભરાવો દૂર કરનારા તત્ત્વો). કોવિડ-19 દુનિયાના બધા ખંડોમાં ફેલાયો એટલે ગરીબ-ધનિક, સાધનસંપન્ન-નિર્ધન, ભદ્ર વર્ગ-લોક વર્ણ, શિક્ષિત-અશિક્ષિત, શ્વેત-અશ્વેત, ઉચ્ચ વર્ગ-નીચલો વર્ગ, શાસકો-શાસિત વર્ગ, શક્તિમાન-શક્તિ વિહોણા, સ્ત્રી-પુરુષ, યુવાનો-વૃદ્ધો એવા કોઈ ભેદ ન રહ્યા. બધા તેમાં સપડાયા. માનવ માત્રના જીવનના બધા પાસાઓને ખૂબ લાંબા ગાળાની અસર કરી ગઈ આ મહામારી. શિક્ષિત અને અશિક્ષિત તમામ સામાન્ય લોકો માટે ગાંધીજીનું પુસ્તક ‘આરોગ્યની ચાવી’ વાંચીને તેનો અમલ કરવો પૂરતું થઇ ગયું હોત. વ્યક્તિના અંગત સ્વાસ્થ્ય અને જાહેર સ્વચ્છતાની જાળવણી માટે તેમણે આપેલા વિચારો અને આજે અપાતા આદેશોમાં ઘણું સામ્ય છે. આજે રોગના પ્રતિરોધક ઉપચારો તરીકે ઓળખાય છે તેની જ વાતો તેમાં છે. શરીરના બધા ભાગોના ભરાવાઓને દૂર કરવાનું તે પુસ્તિકામાં કહ્યું છે જેની સલાહ અત્યારે ડોકટરો પણ આપી રહ્યા છે. ખાસ કરીને સમતોલ આહારથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે એ ગાંધીજીએ ભારપૂર્વક કહેલું જેનો પ્રચાર હાલમાં વધ્યો છે. શાળાઓ-કોલેજો શરૂ થતાં જ આ નિયમોનું ચુસ્ત પણે પાલન થવું જોઈશે.

આ વાયરસ ફરી માંદગી ફેલાવશે એ જાણ્યા બાદ લાંબા ગાળાનો બદલાવ લાવવાની જરૂર સમજાઈ.  શહેરોમાં વસ્તી વધી ગઈ, ટોળાંબંધ લોકો સાંકડી જગ્યામાં રહેવા લાગ્યા. વસ્તીનો ભરાવો ઓછો કરવો જોઈશે. કેવી રીતે બનશે? શરીરના મેલનો ભરાવો કેમ દૂર કરાય તે જાણીએ છીએ, બીજા કશાનું જ્ઞાન નથી. શહેરોની સંખ્યા વધુ, તેમ ઝૂંપડપટ્ટી વધુ. બજારોમાં જતા ગ્રાહકોથી માંડીને મંદિર-મસ્જિદમાં જતા શ્રદ્ધાળુઓ, બધાનો ભરાવો શહેરોમાં વધુ. ત્યાંથી જ રોગ વધુ ફેલાય. આજની પરિસ્થતિને મૂલવતાં એમ લાગે છે કે ગ્રામલક્ષી વિકેન્દ્રિત વ્યવસ્થાને તક આપવી રહી. ગાંધી અને જે.સી. કુમારપ્પાએ સૂચવેલા માર્ગ અત્યારે પ્રસ્તુત છે, અને તેને અમલમાં મૂકી શકાય તેમ છે? એવી શંકા થાય, કેમ કે તેઓએ પ્રબોધેલા માર્ગની વિરુદ્ધ દિશામાં બહુ આગળ નીકળી ગયા છીએ. એ.પી.જે. અબ્દુલ કલામે એ દિશામાં યથાશક્તિ કામ કરેલું. જો સ્વાતંત્ર્ય મળ્યા બાદ વિકેન્દ્રિત અર્થ વ્યવસ્થા અને રાજ્ય વહીવટ તરફ પ્રયાણ કર્યું હોત, તો આજના સ્થળાંતરિત મજૂરો અને બેકારોની સમસ્યાઓ ઓછા પ્રમાણમાં સતાવતી હોત. ભારત દેશનો વિકાસ જરૂર થયો હોત પણ ન્યાયી અને નૈતિક ધોરણો સચવાયાં હોત. 

આ વેબિનારનનું સમાપન કરતાં જ્હોન ચેલ્લાદુરાઈએ ગાંધીજીની નઈતાલીમની શિક્ષણ પદ્ધતિને ફરીથી સમજી તેનો અમલ કરવા અનુરોધ કર્યો. તેને અનુસરવાથી સમાજ સુગઠિત બનશે. આજીવિકા માટે કરેલ મઝદૂરીથી ભારતની નવી પેઢીને સામાજિક અને કોમી એખલાસ માટે ઉછેરીને કેળવી શકાશે. ગ્રામસ્વરાજ તરફ આગળ વધવું હોય તો વ્યવસાયિક શિક્ષણને અક્ષરજ્ઞાન સાથે સાંધવું જોઈશે. ભારતનાં સાત લાખ ગામડાંઓનો સર્વોદય યોજનાના અમલ વિના ઉદ્ધાર નહીં થાય. આજે દલાલો પર આધારિત બજાર વ્યવસ્થાના ભોગ બન્યા, તે બદી શિક્ષણ વ્યવસ્થામાં પણ ઘુસી. રોજગારના સાધનો શુદ્ધ હોવાં જોઈએ. જેમ જેમ મહેનતનું મહત્ત્વ ઘટતું જાય તેમ તેમ મજૂરી કરનાર હાંસિયામાં ધકેલાતા જાય. અસમાનતા વધતી જાય જે છેવટ હિંસાને નોતરે.

ટી.એમ. જોસેફે (CRM સ્થિત પ્રાધ્યાપક) બેઠકની પૂર્ણાહુતિ કરતાં કહ્યું કે એમ લાગે છે કે કોરોના જેવા ચેપી રોગ અને તેને આનુષંગિક તમામ પ્રશ્નોના હલ માટે ગાંધી માર્ગ એ જ એક ઉપાય છે. વૈશ્વીકરણને માત્ર આર્થિક સંદર્ભમાં જોઈએ તો પણ એ સફળ નથી થયો. માનવ જાત અત્યારે સર્વ પ્રકારના આઘાતમાંથી પસાર થાય છે. ગાંધીજીને આ બાબત સોથી વધુ વર્ષો પહેલાં દેખાઈ. એથી જ તો ગ્રામ સ્વરાજ, ગૃહોદ્યોગ, ગ્રામોદ્યોગ, વિકેન્દ્રિત અર્થ અને રાજ્ય વ્યવસ્થાના ખ્યાલો આપ્યા. આ કટોકટીને આશીર્વાદ સમજી, ભૂતકાળની ભૂલોને કારણે વર્તમાનમાં આવેલ અનિચ્છનીય પરિણામોને ધાયનમાં લઇ, ભાવિ માટે યોજના કરવા ગાંધીના ચશ્મામાંથી જોઈએ તે વધુ હિતાવહ થશે.

•••

e.mail : [email protected]

Category :- Opinion / Opinion